સ્પેશિયલ ખેલ મહાકુંભ–2025 અંતર્ગત બહેનોની સીટિંગ વોલીબોલ રાજ્યકક્ષાની સ્પર્ધાની ફાઇનલ મેચ સુરત અને ભાવનગર જિલ્લાની ટીમ વચ્ચે યોજાઈ હતી. કઠિન અને રોમાંચક મુકાબલામાં ભાવનગર જિલ્લાની બહેનોની ટીમે ઉત્કૃષ્ટ રમતપ્રદર્શન કરીને સુરતને પરાજય આપ્યો અને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વિજય સાથે ભાવનગર જિલ્લાનું નામ રાજ્યભરમાં ગૌરવપૂર્વક ઉજાગર થયું છે.

નડિયાદ ખાતે યોજાયેલી આ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટમાં સમગ્ર સ્પર્ધા દરમિયાન ભાવનગરની ટીમે સંયમ, ટીમવર્ક અને આત્મવિશ્વાસ સાથે રમતાં ફાઇનલ મેચમાં યાદગાર જીત મેળવી હતી.સીટિંગ વોલીબોલમાં પ્રાપ્ત આ ગોલ્ડ મેડલથી ભાવનગર જિલ્લાએ ગુજરાતમાં પોતાનો ડંકો વગાડ્યો છે.

ઉલ્લેખનીય છે કે ટીમની કૅપ્ટન સંગીતાબેન સુતરીયા, જે ઇન્ટરનેશનલ પેરા ટેબલ ટેનિસ બ્રોન્ઝ મેડલ વિજેતા છે, તેમણે ખેલ મહાકુંભ–2025 માં પર્સનલ ઇવેન્ટ વ્હીલચેર કેટેગરીમાં રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ભાવનગર જિલ્લાની આ ટીમ ભવિષ્યમાં નેશનલ સીટિંગ વોલીબોલ સ્પર્ધામાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ભારતનું નામ રોશન કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

આ સિદ્ધિ બદલ ભાવનગર પેરા સ્પોર્ટ્સ એસોસિએશન તેમજ જિલ્લા રમતગમત અધિકારી, ભાવનગર દ્વારા સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
ભાવનગર જિલ્લાની વિજેતા ટીમમાં સંગીતાબેન સુતરીયા (કૅપ્ટન), માયાબેન મકવાણા, ગીતાબેન લુણી, ભાવનાબેન વાજા, ગીતાબેન ચૌહાણ, સોનલબેન ધનવાણિયા, હર્ષાબેન જેઠવા, સવિતાબેન ખસિયા અને જાગૃતિબેન ખોખાણીએ ભાગ લઈ ઉત્તમ રમતપ્રદર્શન કરીને ટીમને વિજય અપાવ્યો હતો.
ભાવનગર જિલ્લાની આ બહેનોની ટીમ ભવિષ્યમાં પણ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને જિલ્લાનું નામ ઉજાગર કરે તેવી શુભકામનાઓ દિવ્યાંગ ખેલાડીઓ તથા વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા પાઠવવામાં આવી છે.

