ભાવનગરની અગ્રણ્ય સામાજીક સંસ્થા શિશુવિહારના આદ્ય સ્થાપક અને લોકસેવક માનભાઈ ભટ્ટની પૂણ્યતિથીની સ્મૃતિમાં આવતીકાલે તા.૧૭ મી ડિસેમ્બર ને બુધવારે શિશુવિહારના પટ્ટાંગણમાં સાંજે ૪ કલાકે પરમ આદરણીય પુ.મોરારીબાપુના સાનિધ્યમા ૩૫ મા નાગરિક સન્માન સમારોહનુ રંગદર્શી આયોજન કરવામાં આવેલ છે.

આ અંતર્ગત ગુજરાતની કૃષિ અને ગ્રામ વિકાસમાં સાંસ્કૃતિક યોગદાન આપનાર મનસુખભાઈ સુવાગીયા,બાંધકામ મજદૂરોને વિકાસની મુખ્ય ધારામાં મૂકનાર ડોક્ટર જુઈનદત્તાનું રૂપિયા ૫૦ હજાર તથા સ્મૃતિચિન્હથી ખાસ અભિવાદન થશે.
ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ તલગાજરડા અને સવિશેષ પૂજ્ય બાપુના અનન્ય સ્નેહથી ભાવનગરની સેવા સંસ્કાર ભૂમિ ઉપર ૧૧૭ પ્રબુદ્ધ નાગરિકોનું અભિવાદન પણ નોંધપાત્ર બની રહેશે.પ્રતિકાર ભર્યો પુરુષાર્થ કરતા રહી પ્રભુ પ્રીતઅર્થે ઘસાઈને ઉજળા થનાર ગુજરાતના સન્માનિતોનું અભિવાદન સમારોહ અંતર્ગત શિક્ષક સંસ્કાર વિચારને ગુજરાત ભરમાં મુકનાર ડોક્ટર અતુલભાઇ તેમજ રામકૃષ્ણ મિશનના મમતાબેન પુરોહિતનું અભિવાદન અન્ય શિક્ષકો અને તબીબો માટે પ્રેરણાદાયી બની રહેશે.
સરકારી વિભાગોમાં કાર્યરત અને અત્યંત પ્રમાણિકતા અને નિષ્ઠાથી પૂરી કારકિર્દી પ્રવૃત્ત રહેનાર હાલ ચિલ્ડ્રન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ટી.એસ.જોશીનું આ પ્રસંગે વિનોદભાઈ ત્રિવેદી સ્મૃતિમાં વિશેષ અભિવાદન કરાશે.
વંદે માતરમ શતાબ્દીના સંસ્કારો બાળકેળવણી સાથે જોડાય તે હેતુસર તૈયાર થયેલ વર્ષ ૨૦૨૬ નું ચિત્ર કેલેન્ડર શ્રમનું ગૌરવ અને તેના સર્જક એવા ૧૨ બાળ કલાકારોનું પણ આ પ્રસંગે ખાસ અભિવાદન કરવામાં આવનાર છે.
આવતીકાલે બુધવારે સાંજે ૪ કલાકે શિશુવિહાર સંસ્થાના પરિસરમાં યોજાનાર આ રંગદર્શી સમારંભના શુભ પ્રસંગે સંસ્થાના નવા તાલીમ ભવનનું પણ પૂજ્ય બાપુના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવશે.ત્યારે ભાવનગરના આંગણે યોજાનાર આ વિવિધ સેવા સન્માન કાર્યક્રમમાં પધારવા નાગરિકોને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

