21 Jan 2026, Wed

ભાવનગર રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે ‘નોબેલ પ્રાઈઝ ડે’ ની ઉજવણી નિમિતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું

ભાવનગર રીજીયોનલ સાયન્સ સેન્ટર વિજ્ઞાનને લગતી જુદી જુદી ૫ થીમ બેઈઝ ગેલેરીઓ ધરાવે છે.જેમાં નોબલ પ્રાઈઝ (ફિઝિયોલોજી ઓર મેડિસિન) ની વિશેષ ગેલેરી છે, જેમાં ૧૯૦૧ થી ૨૦૨૫ સુધીના માનવ કલ્યાણ માટે ફિઝિયોલોજી ઓર મેડિસિન ક્ષેત્રે મળેલ નોબલ પ્રાઈઝ ધરાવતા વૈજ્ઞાનિકો તેમના દ્વારા કરેલ સંશોધનોની માહિતી પ્રદર્શિત કરવામાં આવી છે.

ઇન્ટરએક્ટીવ એગ્ઝિબિટ્સ તેમજ ઓડીઓ-વિડીઓના માધ્યમથી સવિસ્તાર માહિતી પ્રદર્શિત કરવામાં આવે છે.નોબેલ પ્રાપ્તકર્તાઓને ફિઝિયોલોજી ઓર મેડિસિનના ઉમદા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવે છે.આ નોબલ પ્રાઈઝ ગેલેરી વિદ્યાર્થીઓ તેમજ મુલાકાતીઓમાં અદ્દભૂત માહિતી અને નવી પ્રેરણા પુરી પાડી રહી છે.

નોબલ પ્રાઈઝ વિશે જાણીએ તો સ્વીડિશ મૂળના શોધક રસાયણશાસ્ત્રી, એન્જિનીયર અને ઉદ્યોગપતિ આલ્ફ્રેડ બર્નાર્ડ નોબેલની અંતિમ ઈચ્છામાં નિર્ધારિત કર્યા મુજબ તેમની સંપત્તિમાંથી ભૌતિકશાસ્ત્ર,રસાયણશાસ્ત્ર, શરીરવિજ્ઞાન અથવા દવા,શાંતિ અને સાહિત્યમાં ઓસ્લો,નોર્વેમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે.નોબલ પ્રાઈઝ એ વિશ્વના ટોચના પ્રસિધ્ધ પુરસ્કાર પૈકી એક છે.

દર વર્ષે ૧૦ ડિસેમ્બરના રોજ આલ્ફ્રેડ નોબેલની મૃત્યુની વર્ષગાંઠના દિવસે નવા વિજેતાઓને પુરસ્કાર આપવા માટે સ્ટોકહોમમાં એવોર્ડ સમારંભ યોજાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૦ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ આરએસસી ભાવનગર ખાતે, નોબેલ પ્રાઈઝ એવોર્ડ સેરેમનીનું સ્ટોકહોમથી લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.

તદ્દપરાંત, નોબલ પ્રાઈઝ (ફિઝિયોલોજી ઓર મેડિસિન) ગેલેરીની વિઝિટ, નોબેલ લોરીએટ્સ વિશે રસપ્રદ માહિતી, વર્ષ- ૨૦૨૫માં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, તથા શરીરવિજ્ઞાન અથવા દવાના ક્ષેત્રમાં નોબેલ વિજેતાઓ અને તેમના સંશોધનો વિષે એક્સપર્ટસ ડો. હેમ ભટ્ટ, આસિસ્ટન્ટ પ્રોફેસર (ભૌતિકશાસ્ત્ર), શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજ ભાવનગર, ડૉ. એસ. આદિમૂર્તિ, મુખ્ય વૈજ્ઞાનિક, MNPB-વિભાગ, CSIR-CSMCRI, ભાવનગર તથા ડૉ. જયેશ સોલંકી, એસોસિયેટ પ્રોફેસર, ફિઝિયોલોજી વિભાગ, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર દ્વારા વર્ષ ૨૦૨૫ માં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, તથા શરીરવિજ્ઞાનના ક્ષેત્રમાં નોબેલ વિજેતાઑ અને તેમના સંશોધનોએ સમાજમાં અને વિશ્વમાં તેનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરના ડીન ડૉ. ચિન્મય શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ ખાસ દિવસે, આરએસસી ના સ્ટાફ દ્વારા નોબેલ ગેલેરીના પ્રવેશદ્વાર પર ફૂલોની સુંદર મનમોહક અને કલાત્મક રંગોળી તૈયાર કરવામાં આવી હતી, તદ્દપરાંત, આ પ્રસંગને અનુરૂપ નોબેલ ગેલેરીને પણ ભવ્ય રીતે શણગારવામાં આવી હતી, જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી અંતર્ગત રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર કાર્યરત છે. આરએસસી ભાવનગર, લોકોમાં વૈજ્ઞાનિક શિક્ષણ અને વિજ્ઞાન પ્રત્યે જાગરૂકતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *