ગુજરાત રાજ્યમાં મહિલાઓની સુરક્ષા, સહાય અને સશક્તિકરણ માટે કાર્યરત ૧૮૧ અભ્યમ મહિલા હેલ્પલાઇન કટોકટીની પરિસ્થિતિઓમાં માત્ર તાત્કાલિક મદદ જ નથી કરતી, પરંતુ માનસિક સહારો, કાઉન્સેલિંગ તથા સલામત આશ્રય ઉપલબ્ધ કરાવી મહિલાઓ માટે આશાનું કિરણ બની રહી છે. ઘરેલુ હિંસા, છેડતી, બાળલગ્ન કે અન્ય કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં ફસાયેલ મહિલાઓ માટે ૧૮૧ મહિલા હેલ્પલાઇન સાચા અર્થમાં સંજીવની સમાન સાબિત થઈ રહી છે.

આવી જ એક ઘટના તાજેતરમાં પાલીતાણા શહેરમાં સામે આવી હતી, જેમાં દિલ્હીથી આવેલી એક મહિલાને ૧૮૧ અભ્યમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા સમયસર મદદ અને આશ્રય આપવામાં આવ્યો હતો.
તારીખ ૦૩/૦૧/૨૦૨૬ના રોજ પીડિત મહિલાએ ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર ફોન કરી જણાવ્યું હતું કે તેઓ પોતાના પતિને શોધવા માટે દિલ્હીથી પાલીતાણા આવ્યા છે, પરંતુ પતિનો કોઈ સંપર્ક થઈ રહ્યો નથી અને તેઓ સંપૂર્ણ રીતે નિરાધાર સ્થિતિમાં છે. આથી પીડિતાને અભ્યમ ટીમની તાત્કાલિક મદદની જરૂર હતી. માહિતી મળતાની સાથે જ ૧૮૧ અભ્યમ મહિલા હેલ્પલાઇન ટીમના કાઉન્સેલર ચંદ્રિકા મકવાણા, પાયલોટ પ્રદીપભાઈ પરમાર તથા મહિલા કોન્સ્ટેબલ નિશાબા ગોહિલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. સ્થળ પર પહોંચ્યા બાદ પીડિતાની વિગતવાર વાતચીત અને પરિસ્થિતિની તપાસ કરવામાં આવી હતી.
આ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પીડિતાબેનના લગ્નને પાંચ વર્ષ થઈ ચૂક્યા છે અને તેઓ પોતાના પતિ સાથે દિલ્હીમાં રહેતા હતા. લવ મેરેજ હોવાને કારણે પતિના પરિવારજનો પીડિતાને સ્વીકારતા ન હોવાથી પરિવારના દબાણના કારણે પતિ છેલ્લા બે વર્ષથી પાલીતાણામાં રહેવા આવ્યા હતા અને તેમને ફરી દિલ્હી જવા દેવામાં આવતા ન હતા. આ પીડિતા બેન અવારનવાર પતિને મળવા માટે ગુજરાત આવતા રહેતા હતા.
છેલ્લા બે અઠવાડિયાથી પીડિતાના પતિના પરિવારજનોએ પતિ સાથે કોઈ પણ પ્રકારની ટેલિફોનિક કે વીડિયો કોલ દ્વારા વાતચીત બંધ કરી દીધી હતી. પીડિતા બેન જ્યારે ફોન કરતા ત્યારે કોઈ અજાણ્યો વ્યક્તિ ફોન ઉપાડી ગાળો આપતો હતો. પીડિતાએ પતિએ જણાવેલા સ્થળોએ જઈ તપાસ કરી, પરંતુ ક્યાંય પતિનો પત્તો લાગ્યો ન હતો. વધુ તપાસમાં જાણવા મળ્યું કે જે નંબર પરથી ફોન ઉપાડવામાં આવતો હતો તે પીડિતાના પતિના આગલા ઘરના દીકરાનો છે. પીડિતા જે વ્યક્તિને પોતાનો પતિ માને છે તે વ્યક્તિના અગાઉથી લગ્ન થયેલા હોવાનું અને તેમને ૨૫ વર્ષના સંતાનો હોવાનું પણ જાણવા મળ્યું. હાલમાં તે વ્યક્તિ ક્યાં છે તેની જાણ તેમના પરિવારજનોને પણ નથી, તેવી માહિતી આપવામાં આવી હતી.
આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન પીડિતા બેન ત્રણ વર્ષના બાળક સાથે કડકડતી ઠંડીમાં પાલીતાણા બસ સ્ટેન્ડ વિસ્તારમાં બે રાતથી રહી રહ્યા હતા. તેમની પાસે દિલ્હી પરત જવા માટે ભાડાના પૈસા પણ ન હતા અને ગુજરાતમાં કોઈ સગા-સંબંધીઓ ન હોવાથી પીડિતા અત્યંત માનસિક તણાવમાં હતા.
પીડિતાની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી અભ્યમ ટીમ દ્વારા તેમને તાત્કાલિક સખી વન સ્ટોપ સેન્ટર ખાતે સલામત આશ્રય આપવામાં આવ્યો છે. આશ્રય સાથે પીડિતાને જરૂરી કાઉન્સેલિંગ આપવામાં આવી રહ્યું છે અને તેમના પ્રશ્નો અંગે યોગ્ય માર્ગદર્શન તથા ઉકેલ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ૧૮૧ અભ્યમ મહિલા હેલ્પલાઇન ગુજરાતમાં મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓ માટે સુરક્ષા, સહારો અને આશ્રયનું મજબૂત આધારસ્તંભ બની રહી છે.

