ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા દ્વારા કરાવવામાં આવ્યો હતો. આ તકે ભાવનગરના મેયર ભરતભાઈ બારડ, અમદાવાદ મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સુરત મેયર દક્ષેશભાઈ માવાણી, ગાંધીનગર મેયર શ્રીમતી મીરાબેન પટેલ તથા જામનગર મેયર વિનોદભાઈ ખીમસૂર્યાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

ભાવનગર સહિત રાજ્યની કુલ આઠ મહાનગરપાલિકાઓ વચ્ચે આ ક્રિકેટ ટુર્નામેન્ટ તા. ૬ જાન્યુઆરીથી તા. ૯ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન યોજાશે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે જામનગર અને બરોડા મેયર ઇલેવન વચ્ચે રમાઈ હતી. કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ ટોસ ઉછાળી મેચનો સત્તાવાર પ્રારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે ભાવનગરની ધરા પર આઠ મહાનગરપાલિકાઓ વચ્ચે મેયર ઇલેવન અને કમિશનર ઇલેવન ટીમોનું સંગમ થયું છે, જે આનંદ અને ગૌરવની લાગણી જન્માવે છે. યજમાન તરીકે ભાવનગર મહાનગરપાલિકાએ કરેલા ઉત્તમ આયોજન બદલ તેમણે અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ રમતગમત ક્ષેત્ર નોંધપાત્ર રીતે આગળ વધી રહ્યો છે તેમ તેમણે જણાવ્યું હતું. આ ટુર્નામેન્ટ માટે કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવીયા તથા રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

ભાવનગરના મેયર ભરતભાઈ બારડે જણાવ્યું હતું કે ભાવનગરના આંગણે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થવું એ આનંદ અને ગર્વની બાબત છે. ભાવનગર મહાનગરપાલિકાની સમગ્ર ટીમના સહયોગથી આ આયોજન સફળ બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘ફિટ ઈન્ડિયા’નો મંત્ર આજે જનઆંદોલન બની ગયો છે, જેમાં ફિટનેસ અને આરોગ્યનું મહત્વ સર્વોપરી છે તેમ તેમણે જણાવ્યું હતું.

આ ટુર્નામેન્ટ અંતર્ગત તા. ૭ જાન્યુઆરીના રોજ કમિશનર ઇલેવન ગ્રુપમાં ત્રણ મેચ અને મેયર ઇલેવન ગ્રુપમાં એક મેચ રમાશે. જ્યારે તા. ૮ જાન્યુઆરીના રોજ સેમી ફાઈનલ તથા તા. ૯ જાન્યુઆરીના રોજ ફાઈનલ મેચનું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમના અંતે ભાવનગર મહાનગરપાલિકાના સ્વચ્છ ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસેડર ડૉ. તેજસ દોશી દ્વારા સ્વચ્છતાની શપથ લેવડાવવામાં આવ્યા હતા તેમજ મહાનુભાવો દ્વારા વિજેતા ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડયા, જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, વડોદરાના ધારાસભ્ય કેયૂરભાઈ રોકડીયા, ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડીયા, આગેવાન કુમારભાઈ શાહ, જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ, ભાવનગર મહાનગરપાલિકા કમિશનર ડૉ. એન.કે. મીના સહિત અન્ય મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયરઓ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનઓ તથા ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.



