21 Jan 2026, Wed

કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષ સ્થાને શિહોર ખાતે ‘દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ કેમ્પ’ યોજાયો

ભાવનગર જિલ્લામાં દિવ્યાંગજનોના સશક્તિકરણ અને કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ પહેલરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેન્દ્રીય ભંડારણ નિગમ (CWC)ના CSR ફંડ તથા ભારત સરકારની એડીપ યોજના અંતર્ગત કેન્દ્રીય જાહેર ક્ષેત્રની સંસ્થા ALIMCO (Artificial Limbs Manufacturing Corporation of India)ના સહયોગથી દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા સમાજ કલ્યાણ વિભાગ દ્વારા શિહોરના ટાઉનહોલ ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે કેન્દ્રીય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, ભારત સરકારની ADIP યોજના અંતર્ગત શિહોર ખાતે લગભગ ૨૦૦ જેટલા દિવ્યાંગજનને ૨૬ લાખની કિંમતના કુલ.૩૬૨ જેટલાં સાધનો આપવામાં આવ્યાં છે.સમગ્ર બોટાદ અને ભાવનગર જિલ્લામાં મળીને કુલ ૨૭૦૦ જેટલા દિવ્યાંગજનનું ઍસેસમેન્ટ કરવામાં આવ્યું હતું, અને તેમની જરૂરીયાતો સમજવામાં આવી હતી. દિવ્યાંગજનની જરૂરિયાત અનુસાર સાધનો આપવામાં આવી રહ્યા છે. ભાવનગર અને બોટાદમાં જિલ્લામા ૭ જેટલાં અલગ- અલગ કેમ્પ દ્વારા આ સાધન સહાય વિતરણ કરવામાં આવશે. દિવ્યાંગજનનું જીવન આસાન બને, તે હેતુથી નિ : શુલ્ક સાધન આપવામાં આવી રહ્યા છે.

તેમણે કહ્યું કે,દિવ્યાંગજનને વ્હીલચેર, ચાલવાની ઘોડી જેવા વિવિધ ૧૯ પ્રકારના સાધનો ફ્રીમા આપવામાં આવ્યાં છે.એક દિવ્યાંગજનને તેની જરૂરિયાત અનુસાર ૩ થી ૪ સાધનો પણ આપવામાં આવી રહ્યાં છે.

કેન્દ્રિય રાજયમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં, દરેક દિવ્યાંગજનના જીવનમાં સકારાત્મક પરિવર્તન દેખાઈ રહ્યું છે. સૌપ્રથમ “દિવ્યાંગજન” નામ આપવાનું કાર્ય કોઈ વડાપ્રધાને કર્યું હોય તો તે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે.તેમણે દિવ્યાંગજનોમાં રહેલી દિવ્ય શક્તિને ઓળખી છે. તેને સન્માન આપ્યું છે. આજે દિવ્યાંગજન તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલાયો છે. આજે દેશમાં દિવ્યાંગજન તરફ દયાભાવ નહીં, સન્માનભાવથી જોવામાં આવી રહ્યું છે. ગત ૧૦ વર્ષોમાં દિવ્યાંગજનોના કલ્યાણ માટે સરકારના ખર્ચમાં લગભગ ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે. પેરિસ પેરાઓલમ્પિક્સમાં ભારતના ૨૯ જેટલાં દિવ્યાંગ ખેલાડીઓએ મેડલ જીત્યા છે. અને દરેક ભારતીયને ગૌરવ અપાવ્યું છે.

તેમણે એમ પણ કહ્યું કે,મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં, ગુજરાતમાં દિવ્યાંગજનના કલ્યાણ માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. દિવ્યાંગજન માટે બસની મુસાફરી ફ્રી કરી દેવામાં આવી છે. દિવ્યાંગજનને વિવિધ પેન્શન યોજના અંતર્ગત માસિક રૂ.૧૦૦૦નું પેન્શન આપવામાં આવી રહ્યું છે. દિવ્યાંગજનને સરકાર તરફથી શિક્ષણ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં, દિવ્યાંગનું જીવન આસાન બનાવવા માટે સરકાર સતત કામ કરી રહી છે. “સબકા સાથ, સબકા વિકાસ,સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ” ના મૂળ મંત્ર સાથે અમારી સરકાર આગળ વધી રહી છે. ત્યારે, આજે સાધન સહાય પ્રાપ્ત કરનાર દરેક દિવ્યાંગજનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ સહાયના માધ્યમથી આપ ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધતાં રહો, તેવી શુભકામનાઓ આપું છું. આજે આ કેમ્પમાં CSR સહયોગ બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું. સમગ્ર આયોજન અને વ્યવસ્થા માટે એલિમકો અને જીલ્લા તંત્રને અભિનંદન આપ્યાં હતાં.

ભાવનગર જિલ્લામાં સ્પીપા કેન્દ્ર બનશે આ કેન્દ્ર થકી ભાવનગર જિલ્લાના ગરીબો, વંચિત લોકોનું આઇએએસ બનવાનું સપનું ખરાં અર્થમાં સાકાર થશે.તેવો આત્મવિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ શિબિરમાં ભાવનગર જિલ્લાના પૂર્વચિહ્નિત કુલ ૧૯૮ દિવ્યાંગ લાભાર્થીઓને રૂ. ૨૬,૫૩,૮૬૧/-ના ખર્ચે કુલ ૩૬૨ સહાયક સાધનોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.શિબીરમાં એલિમ્કો દ્વારા તૈયાર કરાયેલ બેટરીચાલિત મોટરાઇઝ્ડ ટ્રાઇસાયકલ, ટ્રાઇસાયકલ, વ્હીલચેર, સી.પી. ચેર, બેસાખી, શ્રવણયંત્ર (કાનની મશીન) તથા કૃત્રિમ અંગો સહિતના સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સુરેશભાઈ ચૌધરીએ આભાર વિધિ કરી હતી. કાર્યક્રમનું સંચાલન મોટીવેશનલ સ્પીકર નેહલબેન ગઢવીએ કર્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી ભૂમિબેન વાટલીયા, ALIMCO નાં મેનેજર મૃદુલ અવસ્થી, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમિટેડના ઉપ મહાપ્રબંધક શૈલેન્દ્ર કુમાર વ્યાસ,શિહોર નગરપાલિકાના પ્રમુખ જાગૃતિબેન, તાલુકા પંચાયત પ્રમુખ લીલાબેન,જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરીયા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સુરેશભાઈ ચૌધરી, આગેવાન દિગ્વિજયસિંહ ગોહિલ, ભરતભાઈ મેર, રાજુભાઇ ફાળકી, અમરસિંહ ચૌહાણ, જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓ સહિત જિલ્લાના દિવ્યાંગજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *