21 Jan 2026, Wed

ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવ‌-૨૦૨૫ નો સમાપન સમારોહ યોજાયો

ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવ‌-૨૦૨૫નો સમાપન સમારોહ યોજાયો હતો.ભાવનગરના સિદસર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાયેલા આ સમારોહમાં રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા ઉપસ્થિત રહ્યાં હતા.

સાંસદ ખેલ મહોત્સવ‌ સમાપન પ્રસંગે કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દૂરંદેશી વિઝન અને કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવીયાના નેતૃત્વમાં યુવા પ્રતિભાને ખીલવા અને ખેલવાનો અવકાશ મળ્યો છે,એટલું જ નહીં ખેલો ઈન્ડિયા‌ જેવી સ્કીમ દ્વારા સ્પોર્ટ્સ ક્ષેત્રે ક્રાંતિ પણ આવી છે.દેશભરમાં ૧ હજારથી વધુ ખેલો ઈન્ડિયા‌ સેન્ટર નિર્માણ પામ્યા છે.આ સેન્ટરનાં માધ્યમથી ખેલાડીઓને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે પોતાની પ્રતિભા દેખાડવાનો મોકો મળ્યો છે.રમતવીરો રમતક્ષેત્રે આગળ વધે,દેશનું નામ રોશન કરે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકાર હંમેશા એમની સાથે ઉભી છે. સરકારશ્રી દ્વારા ખેલાડીઓને આધુનિક સ્ટેડિયમ,સ્પોર્ટ્સ એકેડેમી જેવી અદ્યતન પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.સાંસદ ખેલ મહોત્સવમાં દરેક વયના ખેલાડીઓને રમવાની તક મળી રહી છે.

તેમણે કહ્યું કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત સ્પોર્ટ્સ ક્ષેત્રે વધુ મજબૂત બની રહ્યું છે. ખેલ મહાકુંભનું દર વર્ષે આયોજન થઈ રહ્યું છે, ત્યારે ખેલ મહાકુંભમાં ગ્રાસ રૂટથી લઈને ટોપ લેવલના દરેક ખેલાડીઓ, દિવ્યાંગોને પોતાની પ્રતિભા દેખાડવાની તક સાંપડી રહી છે. વર્ષ ૨૦૩૦માં ભારત કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનવા જઈ રહ્યું છે, કોમનવેલ્થ અમદાવાદનાં આંગણે રમાશે એ આપણાં સૌના માટે ગૌરવની વાત છે. ૨૦૩૬ની ઓલમ્પિકની ગેમ્સ હોસ્ટિંગ માટે ભારત કામ કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ખેલાડીઓ સાથે સીધો સંવાદ કરી, તેમની સિદ્ધિઓની પ્રશંસા કરી તેમને પ્રોત્સાહિત પણ કરી રહ્યાં હોવાનું તેમણે જણાવ્યું હતુ.

આ પ્રસંગે રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના છેલ્લા ૧૧ વર્ષના શાસનમાં ભારતે અનેક સિધ્ધિઓ હાંસલ કરી છે, ભાવનગર-બોટાદ જિલ્લાએ સાંસદ ખેલ મહોત્સવમાં ઐતિહાસિક કહી શકાય તેવું રજીસ્ટ્રેશન કરીને રમતમાં સહભાગી બન્યાં છે. આ મહોત્સવમાં દિવ્યાંગ ખેલાડીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો, આમ વિવિધ રમતોમાં સહભાગી બનવા બદલ તેમણે દરેક ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.

આ વેળાએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ચ્યુઅલી જોડાઈને વાર્તાલાપ કરી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યાં હતા. કેન્દ્રિય રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પ્રાસંગિક ઉદબોધન કરી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યાં હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૨ સ્થળો ઉપર તાલુકા અને ઝોન કક્ષાની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં કબડ્ડી, વોલીબોલ, રસ્સાખેંચ, ખો ખો,એથ્લેટિક્સ (૧૦૦ મી.દોડ, ગોળા ફેંક, ‌લાબીકૂદ), નારગેલ, લીંબુ ચમચી, સ્લો સાયકલિંગ, સંગીત ખુરશી (બહેનો), કોથળા દોડ, સિક્કા શોધ અને બાસ્કેટબોલ સહિત ૧૨ રમતો રમાડવામાં આવી હતી. જેમાં ૧૪ વર્ષથી નીચેના, ૧૫ થી ૨૦ વર્ષ સુધીના, ૨૧ થી ૩૫ વર્ષ સુધીના, ૩૬ થી ૫૦ વર્ષ સુધીના તેમજ ૫૧ વર્ષથી ઉપર વય જૂથના ખેલાડી ભાઈઓ- બહેનો ભાગ લીધો હતો. આ રમત પાંચ વય જુથમાં યોજવામાં આવી હતી.

સાસદ ખેલ મહોત્સવ‌મા ૫૦૦ થી વધુ દિવ્યાંગ ખેલાડીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો.સાંસદ ખેલ મહોત્સવ‌ના સમાપન સમારોહમાં ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ અને શ્રીમતી સેજલબેન પંડ્યા, ભાવનગર મેયર ભરતભાઈ બારડ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રૈયાબેન મીયાણી, કમિશનર ડૉ.એન.કે.મીણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઇ રાબડીયા, પૂર્વ મંત્રી વિભાવરીબેન દવે, જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરીયા, આગેવાન કુમાર શાહ, દિગ્વિજયસિંહ ગોહિલ,મયુરભાઈ પટેલ, દિવ્યેશભાઈ સોલંકી, ભરતભાઈ મેર, રાજુભાઇ ફાળકી, જિલ્લા રમતગમત અધિકારી નરેશભાઈ ગોહિલ, જિલ્લા રમત વિકાસ અધિકારી સુનિલભાઈ ચૌધરી, ભાવનગર શહેરના નગરસેવકો, જિલ્લાના પદાધિકારીઓ- અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં રમતવીરો, રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *