ગુજરાતમાં વડોદરા સમા કોમ્પ્લેક્સ ખાતે 2 ડિસેમ્બર થી 4 ડિસેમ્બર 2025 દરમિયાન યોજાયેલી યુ.ટી.ટી. સેકન્ડ પેરા નેશનલ રેકીંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ ૨૦૨૫-૨૬ માં ગુજરાતના આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કરી રાજ્ય તથા દેશનું ગૌરવ વધાર્યું છે.જેમાં ગુજરાતના ખેલાડીઓ અલ્પેશ સુતરીયા અને સંગીતા સુતરીયા એ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.

ગુજરાતના પ્રતિભાશાળી અને ઇન્ટરનેશનલ પેરા ટેબલ ટેનિસ ખેલાડી અલ્પેશ સુતરીયા એ સિંગલ્સ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે, જ્યારે આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ ખેલાડી શ્રીમતી સંગીતા સુતરીયા એ શાનદાર રમત દર્શાવી બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે.

અલ્પેશ સુતરીયા તથા સંગીતા સુતરીયા બન્નેએ અગાઉ પણ અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી અનેક મેડલો મેળવી ચૂક્યા છે. તેમના આ નવીન સિદ્ધિ સાથે તેમણે ફરી એકવાર ગુજરાત તેમજ ભાવનગર જિલ્લાનું નામ રોશન કર્યું છે.

આ સફળતા માટે બંને ખેલાડીઓને રમતજગત તેમજ સમાજના દરેક વર્ગમાંથી અભિનંદન તેમજ શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.


