ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના અવાણીયા ગામે આવેલી એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં બ્રોમિન ગેસ લીકેજ તેમજ ઔદ્યોગિક ડિઝાસ્ટર પર મોકડ્રીલ યોજાઈ હતી.

આ મોકડ્રીલમાં પ્રથમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા લીકેજ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, ત્યારબાદ જિલ્લા વહીવટીતંત્રની મદદ માટે ઈમરજન્સી સર્વિસઝને જાણ કરતા ફાયર, પોલીસ, 108 તાત્કાલિક સ્થળ પર પહોંચ્યાં હતાં.આ ઉપરાંત એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા સ્થળ પર રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મોકડ્રીલ દરમિયાન કેમિકલ પ્લાન્ટમાંથી ગેસ લીકેજની દુર્ઘટના સમયે કેવી રીતે બચાવ કામગીરી કરવી અને કેમિકલને આજુબાજુના વિસ્તારમાં વધુ પ્રસરતું કેવી રીતે અટકાવવું તેનું વાસ્તવિક નિદર્શન કરવામાં આવ્યું હતું. ઔદ્યોગિક એકમોમાં બનતી દુર્ઘટનાઓથી ઉભી થતી ઈમરજન્સીને પહોંચી વળવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી હતી.જિલ્લા વહીવટી તંત્ર તેમજ એન.ડી.આર.એફ.ના સંયુક્ત ઉપક્રમે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગઈકાલે કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર ડો.મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગૃપની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લામાં કેમિકલ એક્સિડન્ટની સ્થિતિમાં અસરકારક પ્રતિસાદ માટેની તૈયારીઓને વધુ મજબૂત બનાવવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે,ભારત સરકારના ગૃહ વિભાગના નિર્દેશ અનુસાર એન.ડી.આર.એફ.દ્વારા જિલ્લામાં કેમીકલ તેમજ ઔદ્યોગિક ડિઝાસ્ટર પર મોક એક્સરસાઇઝ પણ કરવામાં આવી હતી.

આ મોકડ્રીલમાં પ્રાંત અધિકારી પ્રતિભા દહિયા, નાયબ પોલીસ અધિક્ષક આર.આર.સિંઘલ,એનડીઆરએફના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ વિક્રમ ચૌધરી, ડે. કમાન્ડન્ટ ડો. મોહીની આર્યા, મદદનીશ નિયામક DISH મિતેષ મેનાત, મામલતદાર બ્રહ્મભટ્ટ, ડીપીઓ ડિઝાસ્ટર ડિમ્પલ તેરૈયા ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડ, અવણિયા ગામના સરપંચ, તલાટી મંત્રી તેમજ જિલ્લાની અન્ય ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતા.


