ભાવનગર જિલ્લામાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તેમજ આત્મા પ્રોજેક્ટના સંયુકત ઉપક્રમે વિલિંગ પાલીતાણા તાલુકાના ગંધોળ ક્લસ્ટરના જાળિયા ગામે વિલિંગ ફાર્મર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૯ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ તાલીમ કાર્યક્રમમાં જીવામૃત, બીજામૃત તેમજ પ્રાકૃતિક ખેતીનું મહત્વ તેમજ પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંત વગેરેની પ્રાયોગીક તાલીમ આપવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાયનું મહત્વ તથા મિશ્ર/આંતરપાકોની અગત્યતા બાબતે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મૂળભૂત તત્વો તથા પાંચ મુખ્ય આયામો જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદન અને વાવેતર પદ્ધતિ — અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
પ્રશિક્ષણ દરમિયાન કૃષિ કર્મચારીઓ અને તાલીમદાતાઓએ ખેડૂતોની હાજરીમાં જીવામૃત અને ઘન જીવામૃત તૈયાર કરવાની પ્રાયોગિક રીત બતાવી હતી. સાથે જ તેનો ઉપયોગ કેવી રીતે કરવો, પાક પર છંટકાવ કરવાની યોગ્ય પદ્ધતિ અને સમયગાળા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. તાલીમ દરમિયાન ખેડૂતોને સમજાવવામાં આવ્યું કે, પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાથી જમીનની ઉર્વરતા વધે છે, ખર્ચ ઘટે છે અને પાક વધુ ગુણવત્તાવાળો તેમજ રાસાયણિક મુક્ત બને છે. દેશી ગાયના મૂત્ર અને છાણથી તૈયાર થતાં જીવામૃતના ઉપયોગથી પાકમાં જરૂરી પોષક તત્ત્વો મળે છે અને જમીનનું સ્વાસ્થ્ય સારુ જળવાય છે. આ પદ્ધતિથી પકવાયેલા ફળ, શાકભાજી અને અનાજ વધુ ગુણકારી અને આરોગ્યપ્રદ રહે છે, જે પરિવારના સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.
આ વેળાએ પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા પ્રગતિશીલ ખેડૂત શ્રી તુલસીભાઈ અને શ્રી મનસુખભાઈ, ખેતી મદદનીશ ભાર્ગવભાઈ જાની તેમજ આત્મા પ્રોજેક્ટ ભાવનગરના ATM મનીષભાઈ વ્યાસ દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે સવિશેષ માહિતી આપવામાં આવી હતી. તેમજ તાલીમાર્થીઓને પ્રાકૃતિક કૃષિ અંગે ઉદ્દભવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

